
અમદાવાદના ન્યુ નરોડા ખાતે રહેતાં અને મુળ પાટણના ચણાસ્મા તાલુકાના મંડલોપ ગામના વતની કિરણ દિલીપજી ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી એસ. જી. એન્ટરપ્રાઇઝના નામથી આંગડિયા પેઢી ચલાવે છે. તેમણે ગત 26મી મેના રોજ ભરૂચના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આવેલાં લક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે નવી શાખા ચાલુ કરી હતી. જેમાં સ્ટાફ તરીકે પાટણની અંબાજીનગર સોસાયાટીમાં રહેતાં હાર્દિક ડાહ્યા પટેલ તેમજ ચાસણમાના ખારી ધારીયાલ ગામે રહેતાં અજય ડાહ્યા પટેલને રાખ્યાં હતાં. તેમની પેઢી ચાલુ થયાં બાદ દરરોજ સવારે ૧૧ વાગ્યે રાજકોટ ઓફિસેથી આગલા દિવસનો હિસાબ લેવામાં આવતો હતો.
ગત 26મી જૂનના રોજ સાંજે તેમની સુરત ઓફિસે જાણ કરી હતી કે, ભરૂચ ઓફિસમાંથી 40 લાખનું પેમેન્ટ થયું નથી. જેના પગલે તેમણે હાર્દિક અને અજય સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના નંબર બંધ આવતાં હતાં. જેતી તે દિવસે જ રાત્રીના સમયે તેમણે ભરૂચ આવી તપાસ કરતાં ઓફિસ બંધ હોવાનું માલુમ પડ્યું હતું.
હાર્દિક અને અજયના કોઇ સગડ મળ્યાં ન હતાં. તેમણે શાખામાં લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતાં હાર્દિક અને અજય સાંજે પાંચેક વાગ્યે બે બેગ લઇને જતાં દેખાયાં હતાં. તેમણે તમામ એકાઉન્ટની તપાસ કરતાં તેઓને કુલ 74 લાખથી વધુની રકમ સિલ્લક હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તપાસ કરાવતાં હાર્દિકે પોતાના ભાઇ નિકુલ તેમજ અજયે પોતાના ભાઇ નિતીન સાથે પોતાના અંગત આર્થિક લાભ માટે રૂપિયા લઇ ગયાં હોાવનું માલુમ પડતાં તેમણે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. જેની પ્રાથમિક તપાસ બાદ પોલીસે આખરે મામલામાં ફરિયાદ નોંધી આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.