નેત્રંગ તાલુકાના સીમાડા પર વહેતી કરજણ નદીનો પુલ આશરે 60 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે.1994 માં કરજણ નદીમાં આવેલ ઘોડાપૂરમાં પુલને ભારે નુક્સાન થયું હતું .પુલના બન્ને બાજુના છેડા તૂટી ગયા હતા તેના સ્પાન અને સ્લેબને પણ અસર થઈ હતી ત્યારબાદ 6 મહિના આ પુલ બંધ રહ્યો હતો રીપેરીંગ કર્યા પછી ફરીથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.
પરંતુ કરજણ નદીના પુલની આવરદા પૂરી થઈ ગઈ હોવા છતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવે છે.1994 બાદ આ પુલ ઉપર અવાર નવાર બે સ્પાન વચ્ચે તિરાડ પડવી , ગાબડા પડવા અને સંરક્ષણ રેલીંગ તુટી ગયેલ હોય તેમ છતાં તેનું રીપેરીંગ પણ કરવામાં આવતું નથી.આ બધી ગંભીર સમસ્યાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે અને નિર્દોષ વાહન ચાલકો ઈજાગ્રસ્ત થઈ મોતને ભેટી રહ્યાં છે.
નેત્રંગ ડેડિયાપાડાનો નેશનલ હાઇવે ઓથોરીટીએ બે મહિના પહેલા જ રીપેર કર્યો છે ત્યારે ઘાણીખુટ કરજણ નદીના પુલ ઉપર પણ એક પડ ચોપડવામાં આવ્યું હતું.જેને બે મહિના જ થયા ત્યાં ફરી પુલ ઉપર સાંધામાં તિરાડો પડીને મસમોટું ગાબડું પડી ગયું છે . પુલની સંરક્ષણ દિવાલ અને રેલીંગ તૂટી પડેલ છે.જેને લઈ રાત્રીના સમયે કોઈ વાહન ચાલક સામેથી વાહનની હેડલાઇટથી આંખ અંજાય જાય ત્યારે સીધો 60 ફૂટ નીચે નદીમાં ખાબકે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
આ મુખ્ય બે રાજ્યને જોડતો નેશનલ હાઈવે છે અને આ ઘાણીખુટ કરજણ નદીના પુલની આવરદા હવે ઘણી ઘટી ગઈ છે જર્જરીત થઈ ગયો છે ત્યારે તેની ઉપેક્ષાનો ભોગ નિર્દોષ બનશે તેનો ભોગ લેવાશે એટલી બેદરકાર આ સરકારી નેશનલ હાઈવે માર્ગ અને મકાન વિભાગની કચેરી છે. ઘણા વર્ષોથી લોકો અને વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે ઘાણીખુટ કરજણ નદીના નવા પુલની પરંતુ વહીવટી તંત્ર કે સરકાર ધ્યાને લેતી નથી.