ભરૂચ જીલ્લામાં સૌપ્રથમવાર હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન કરવામાં આવ્યું.જેમાં વાલિયા તાલુકાના મોતીપરા ગામનો 33 વર્ષીય આશાસ્પદ યુવાન યોગેશ રમણભાઈ વસાવા કે જે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તે ગત તા. 20 નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વરના ગોપાલનગર-ગાર્ડન સિટી નજીક સવારે બાઇક સવારને અડફેટે લેતા જે અકસ્માત સર્જાયો હતો. જે બાદ યોગેશ વસાવા પોતાને માર પડવાની બીકે અકસ્માત સ્થળેથી ભાગવા જતાં નજીકમાં આવેલી શિવદર્શન સોસાયટીની દીવાલ કૂદી ભાગવા જતો હતો ત્યારે તે આશરે 20 ફૂટ ઊંડામાં ખાડામાં પડ્યો હતો.
ઊંડા ખાડામાં પડતા યોગેશ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેની હાલત નાજુક હોય તેને ICU વિભાગમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ યોગેશ વસાવાને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.ત્યારે ગુજરાતમાં અંગદાન મામલે સતત સક્રિય રહેતી તબીબી ટીમ સાથે સંકળાયેલ સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા બ્રેઇન ડેડ યોગેશ વસાવાના પરિજનોને અંગદાન અંગે માહિતી આપી હતી કે, બ્રેઇન ડેડ જાહેર થયા બાદ શક્ય તેટલા જલદી અંગદાન થઈ જાય તે સારું રહે છે.
જેમાં વ્યક્તિ આંતરિક અને બાહ્ય અંગોનું દાન કરી શકે છે, ત્યારે બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાના પિતા રમણભાઈ વસાવા સહિતના પરિવારે મૃત્યુ બાદ પણ પોતાનો લાડકવાયાનાં અંગદાન થકી અન્યોને નવજીવન મળશે તેવા શુભ આશયથી પુત્રના અંગદાન અંગે સંમતી દર્શાવી હતી. જેમાં બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાનું હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા બ્રેઇન ડેડ યુવકની કિડની, ફેંફસા, હ્રદય અને લીવરનું દાન મેળવી ચુસ્ત પોલીસ કોરિડોર, બંદોબસ્ત વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે સુરત અને ત્યાંથી બાય એર એમ્બ્યુલન્સ વડે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા.
અંગદાન એજ મહાદાનના સૂત્રને સાર્થક કરતાં પરિવારના નિર્ણયથી યોગેશ વસાવાના મૃત્યુ પછી પણ તેમના અંગો જરૂરિયાતમંદોને નવજીવન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગદાન ક્ષેત્રે સતત સાતત્યપૂર્ણ પ્રયત્ન અને પ્રવૃતિના કારણે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તેવામાં બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાના પરિવાર દ્વારા લેવામાં આવેલ સારા નિર્ણય બદલ લોકોએ પરિવારના કાર્યની સરાહના કરી હતી.