ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક ઓરિઓન આર્કેડની ૬ દુકાનોના સવારે ૭ કલાકની આસપાસ તાળા તોડી ગલ્લામાં રહેલા પરચુરણની ચોરી કરતો તસ્કર CCTV માં કેદ થવા પામ્યો છે.
ભરૂચમાં દિવાળી બાદ વિવિધ વિસ્તારની દુકાનો, ઓફિસો અને ઘરના તાળા તૂટવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક ઓરિઓન આર્કેડના દુકાન-ઓફિસધારકો આવતા એક બાદ એક તૂટેલા તાળા જોઈ ચોંકી ઉઠ્યા હતા. કોમ્પ્લેક્ષમાં ગોલ્ડલોન ફાયનાન્સની શાખા પણ આવેલી છે પણ કોઈ સિક્યોરીટી ગાર્ડ નથી. દુકાનદારોએ લગાવેલા CCTV ચેક કરાતા એક યુવાન સ્પોર્ટ્સ સૂઝ, સ્કૂલ બેગ, ટોપી વાળી ટી-શર્ટ અને મોઢા પર માસ્ક વાળા રૂમાલ સાથે મળી આવ્યો હતો. જેણે સવારના ૭ વાગ્યાની આસપાસ એક બાદ એક દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ બેગમાં રહેલા સળિયા વડે કર્યો હતો. જે દુકાનનું તાળું તૂટ્યું તેમાં ઘુસી ગલ્લા તોડી અંદર રહેલા પરચુરણની ચોરી કરી લીધી હતી.
કેટલીક દુકાનો તાળા નહિ તોડી શકતા તે બચી ગઈ હતી. આ એખલા આવેલા તસ્કરે દવે કલાસીસ, શ્રી લેડીઝ કલેક્શન, ધનશ્રી કલેક્શન, દર્શન ફૂટવેર, ક્રિશી કલેક્શન, એસ.આર.કલેક્શનના તાળા તોડી ગલ્લામાં રહેલા ૮ થી ૧૦ હજાર જેટલા પરચુરણની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઇમિગ્રેશનની એક ઓફીસ સહિત અન્ય દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કર ગલ્લામાં રહેલા રોકડા સિવાય અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી કરી ગયો ન હતો. દુકાનદાર વેપારીઓએ ચોરીની જાણ સી ડિવિઝન પોલીસને કરતા પી.આઈ. હસમુખ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવા સાથે આ યુવાન ચોરની સીસીટીવીના ફૂટેજ્ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.