દહેજ 2 માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે. જ્યારે 3 કામદારોને રીએક્શનથી ગેસ વછુટતા થયેલી ગૂંગળામણની અસર સાથે સારવાર હેઠળ ખસેડાયા છે.
દહેજ 2 માં વર્ષ 2017 માં પ્રજ્ઞા ગ્રુપની પ્રજ્ઞા ફાર્મા કંપની MD મહેશ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પેસ્ટીસાઈડ્સ, ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશાલિટી કેમિકલ્સ બનાવતી કંપનીમાં બુધવારે સાંજે પ્રોડક્શન ચાલી રહ્યું હતું.કંપનીમાં 80 જેટલા કર્મચારીઓ ફરજ ઉપર હતા. પ્લાન્ટ એકમાં રીએક્ટર નંબર 305 ઉપર ઓપરેટર વિજય કુશવાહ ફરજ બજાવી રહ્યાં હતાં.
રીએક્ટરમાં સોલ્વન્ટ સાથે અન્ય કેમિકલ્સની પ્રોસેસ વેળા અચાનક પ્રેશર વધી જતાં જોરદાર ધડાકા સાથે રીએક્ટર ફાટયું હતું. ઘટનામાં ઓપટેટરનું સ્થળ પર જ ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું.ધડાકાને લઈ ઘટનાગ્રસ્ત પ્લાન્ટ એક અને અન્ય પ્લાન્ટમાં રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. રીએક્ટર ફાટયા બાદ સોલાવન્ટ સાથે અન્ય કેમિકલ્સના રીએક્શનથી છૂટેલા ધુમાડા અને ગેસના કારણે અન્ય 3 કામદારોને ગૂંગળામણની અસર વર્તાય હતી.
બ્લાસ્ટનો કોલ મળતા ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સ સાથે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ગેસની અસર હેઠળ રહેલા 3 કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ DISH ના આસિસ્ટન્ટ ડિરેક્ટર જે.જે. પટેલ, આશુતોષ મરૈયા અને તેમની ટીમ પોહચી જઈ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં એક વ્યક્તિના મોત અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવા સાથે કંપની સામે આગળની કાર્યવાહીની તજવીજ આરંભાઈ છે.