અંકલેશ્વરના જુના બોરભાઠા ગામ નજીક નદી કિનારેથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસને કરતા પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બાજુએ નર્મદા નદીને અડીને જુના બોરભાઠા ગામ આવેલું છે. ગત રાતે નર્મદા નદી કિનારે આવેલા તપોવન આશ્રમ પાસેથી એક અજાણ્યા પુરુષનો વિકૃત અને દુર્ગંધ મારતો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનીક માછીમારોને થઈ હતી. જેથી તેમણે આ બનાવ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરી હતી. ધર્મેશ સોલંકીને માહિતી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને નાવડી વડે બહાર કઢાવવા કવાયત હાથધરી હતી.
બનાવ અંગેની અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચી આસપાસ તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તેના વાલી વારસોની શોધ આરંભી છે. હાલમાં તો આ ઘટનામાં નર્મદા નદીમાં કોઈ ડૂબી ગયો હોય અને મૃતદેહ પાણીમાં તણાતા અહીંયા આવી પહોંચ્યો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવાઈ રહ્યું છે.