જંબુસરના ઇસનપુર ગામે મગર નજરે પડતા તેને ઝડપી પાડી સ્કૂટર ઉપર ફોરેસ્ટ ઓફિસે લઈ જવાયો હતો.
જંબુસરના ઇસનપુર ગામે મગર નજરે પડતા તેને ઝડપી પાડી સ્કૂટર ઉપર ફોરેસ્ટ ઓફિસે રવાના કરાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ દ્રશ્યોએ એકતરફ હાસ્યાસ્પદ સ્થિતિ તો બીજી તરફ લાપરવાહી દર્શાવી હતી.
જંબુસર તાલુકાના ઇસનપુર ગામમાં મગર નજરે પડ્યો હતો. ગામના સરપંચે લોકોને આ મગરથી સલામત અંતરે રહેવા સૂચના આપી વનવિભાગને જાણ કરી હતી. ગામના રહેણાંક વિસ્તાર નજીક ઘુસી આવેલા મગરને બે – ત્રણ લોકોએ જહેમત બાદ ઝડપી પાડ્યો હતો. મગરને વનવિભાગ કચેરીએ લઈ જવાની સૂચના મળતા આશ્ચર્ય વચ્ચે આ મગરને બે લોકો સ્કૂટર ઉપર વનવિભાગની કચેરીએ મૂકી આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારમાં મગર જેવા આક્રમકઃ જીવ નજરે પડે ત્યારે પાંજરા મૂકી અથવા તેને ઝડપી પાડી મોટા વાહનોમાં તેને વન વિભાગની કચેરીએ અને ત્યાર બાદ સલામત સ્થળે મુક્ત કરવામાં આવતા હોય છે. ઇસનપુર ગામની ઘટનામાં મગરને ઝડપી પાડી સ્કૂટર ઉપર રવાના કરવામાં આવતા આ બાબતને લાપરવાહી સાથે પણ જોવામાં આવી રહી છે. સદનસીબે આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી પરંતુ મગર જેવા આક્રમકઃ જીવને સ્કૂટર ઉપર લઈ જવાની રીત સામે પ્રશ્નાર્થ પણ ઉઠ્યા છે.