ભરૂચ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ શહેરની જે.પી.કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત સામાજિક સંગઠનો દ્વારા મતદાન જાગૃતી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ શહેરની જે.પી.કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ABVPના પ્રદેશ સંગઠન મંત્રી અશ્વિન શર્માની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થી મતદારોને પ્રોત્સાહિત અને પ્રશિક્ષિત કરવા આહ્વાન કરાયું હતું.
આ સાથે જ મતદારોને કાયદા અને નિયમોની જોગવાઈ તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે સમજ આપી લોકશાહીના આ પર્વમાં જોડાવા અપીલ કરી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચ જિલ્લાના મતદારોમાં જાગૃતિ અર્થે એક રથને પણ શહેર અને તાલુકામાં મતદાન જાગૃતી માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતું. સમગ્ર કાર્યક્રમમાં એમ.કે.કોલેજના આચાર્ય, જે.પી.કોલેજના આચાર્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.