
ભરૂચ શહેરથી 15 કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે આજે કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળાની શરૂઆત થઈ છે.
બે વર્ષ બાદ યોજાઈ રહેલ શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી પાંચ દિવસના મેળામાં ખાણીપીણી અને મનોરંજન માણશે. પુરાણોમાં પણ પંચર્તીથ તરીકે ઓળખાતા અને પુરાણમાં ઉલ્લેખાયા મુજ્બ આ 5 દિવસમાં અહીં સૂક્ષ્મરૂપે દેવો સ્વયં ઉપસ્થિત રહે છે.
રાજ્યભરમાંથી 4 લાખથી વધુ લોકો આ મેળો યાત્રા માણતા હોય છે.જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ, વિવિધ ચકડોળ સહિતની રંગત જામી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સૌથી વિશેષ છે. શુકલર્તીથમાં શુકલેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકારર્તીથ પુરાણોમાં પંચર્તીથ અને તલપૂર ગણવામાં આવ્યું છે.